મારા વહાલા બાળકો,
હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લેટર લખી નથી શક્યો એના માટે સોરી. આ બે વર્ષમાં તમે બંને ઘણા મોટા થઈ ગયા છો. ઘણીવાર મને હજુ એમ લાગે કે તમે થોડા દિવસ પહેલાં જ તો આ દુનિયામાં આવ્યા છો અને તે છતાં આજે તમારા છ વર્ષ પૂરા થઈ ગયા.
હું આ બેંગ્લોરથી લખી રહ્યો છું પણ મને આ વખતે આનંદ છે કે તમારા બંનેના પહેલા જન્મ દિવસ પછી આજે ફરી પાછા તમે બંને એક સાથે તમારો બર્થ ડે ભરૂચમાં મનાવશો. વચ્ચે વર્ષોમાં કોરોના અને કંઈ ને કંઈ આવી જતું હોવાથી તમે બંને સાથે હોય એ રીતે જન્મદિવસ નહોતા બનાવી શક્યા.
રુદ્રરાજ:
તને હવે મારી જેમ રોટલી જમ્યા વગર ચેન પડતું નથી. વચ્ચે તારા પર એક બે ઓપરેશન થયા એમાં પણ અમારી અને ખાસ કરીને ડોક્ટરોની આશા કરતા તે વધારે સારી રીતે કો-ઓપરેટ કર્યું. તકલીફો હોવા છતાં ઉંમર પ્રમાણે તારામાં ઘણી સહનશક્તિ છે. ગયા વર્ષે તો મમ્મી પપ્પા સાથે બેંગલોર પણ આવી ગયો અને અમને બધાને સારું લાગ્યું. ભગવાન તને ખુશી રાખે.
રિવાંશી:
ગયા વર્ષે તારી સ્કૂલ બદલી (યુકેજી માટે) ત્યારે અમને ડર હતો કે તને નવી સ્કૂલમાં ફાવશે કે નહીં? પણ તે સારું એડજસ્ટ કરી લીધું. શરૂઆતમાં થોડું અઘરું તને (અને અમને પણ) પડ્યું અને તે થોડો ઘણો માર પણ ખાધો ;-) પણ પછી તે સારું કવર કરી લીધું અને તારો તો પ્રોગ્રેસ જોઈને તારા મેડમ પણ ખુશ હતા. હજી આજે જ તારું રીઝલ્ટ લઈને આવ્યો.
માર પરથી યાદ આવ્યું કે તું સ્કૂલમાં એક દિવસ છાનીમાની ઘરેથી વેલણ લઈને જતી રહી હતી. જ્યારે તારા આરતી મેડમે તારી બેગમાં જોયું ત્યારે એમણે તને પૂછ્યું કે કેમ બેગમાં વેલણ છે? તો તે કીધું કે ઘરે મમ્મી આનાથી મારે એટલે હું આ બેગમાં લઈ આવી. :-) મેડમ એ પાછું આજુબાજુના ક્લાસ ટીચરને પણ આ વેલણ બતાવ્યું. આ બધી વાત તો ઘરે આવીને અમને કીધી. તારી મમ્મી જ્યારે તને સ્કૂલે લેવા આવી ત્યારે મેડમ એ કીધું કે રિવાંશીને ભણવાનું બહુ પ્રેશર ન કરતા. પણ ત્યારે તારી મમ્મી ખાસ કંઈ સમજી નહીં કે મેડમે આવું કેમ કીધું. એ તો ઘરે આવીને જ્યારે તે આખી વાત કરી ત્યારે ખબર પડી.
ગયા વર્ષે ઉનાળામાં સ્વિમિંગમાં તને મૂકી. શરૂઆતમાં તો તને બીક લાગી અને તું રડતી રડતી પાછી આવી પણ ધીરે ધીરે તે ઘણું શીખી લીધું પણ એ છતાં તારું રડવાનું બંધ નથી થતું. જોઈએ તારો ડર ક્યારે જાય છે. અમારી ઈચ્છા છે કે તું ડર વગર મજા કરતા કરતા સ્વિમિંગ કરે.
એને આગળના વર્ષે તે સ્કેટિંગ પણ થોડું ઘણું શીખ્યું. ગયા વર્ષે તે એક બાળકોની રેસમાં પણ ભાગ લીધો.
બાકી તને ટીવીમાં આજકાલ હનુમાન, ક્રિષ્ના ની સિરીયલ જોવી ગમે છે અને એ સારું છે. બાકી એ પહેલાં તો તું તારા બીજા કાર્ટૂન મિત્રો જેવા કે પેપા પીગ, માશા-બેર, મોટુ પતલુ એવું બધું જ જોયા કરતી.
તારે હજી સ્ટ્રોંગ અને કોન્ફિડન્ટ બનવાનું છે. હજી તું ઘણી જગ્યાએ ડરે છે અને શરમાય છે. ધીરે ધીરે શીખી જઈશ એવી મને ખાતરી છે.
પણ એક વાતનું મને આનંદ છે કે સ્કૂલની બધી જ કોમ્પીટીશન જેવી કે સ્ટોરી ટેલિંગ, ફેન્સી ડ્રેસ, વગેરેમાં ભાગ લીધો અને તને સ્ટેજ ફીયર એટલો નથી જેટલી તું બાકીના દિવસે શરમાય છે.
ભગવાન તને ખુશ રાખે.