"તારી આંખમાં આંસુ કેમ છે ?"
માત્ર એટલું જ કહીશ
"આવ, મારી બાજુમાં બેસ !"
- વિપિન પરીખ
મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !
-વિપિન પરીખ
સુખ,
ચાલીના નળમાંથી માંડમાંડ ટપકતું પાણી ટીપે ટીપે.
દુ:ખ,
ચર્ચગેટના સ્ટેશન પર
ઊતરતાં ટ્રેનમાંથી એક પછી એક
માણસોના મોજાં…
દરિયો…
- વિપિન પરીખ
મકાન પડી ગયું
બાળક દટાઈ ગયું ને
ડોસી બચી ગઈ.
'આમ કેમ?' એ પ્રશ્નને
એ લોકો કાટમાળ સાથે ઉપાડી ગયા.
- વિપિન પરીખ
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.
'મમ્મી' બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં 'મમ્મી' કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી -
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે 'લાયન્સ' પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી 'ડિશ' શીખવા 'cooking class'માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
-વિપિન પરીખ
Source of the above compositions of વિપિન પરીખ : http://layastaro.com/?cat=99