Friday, May 20, 2011

૨૫ વર્ષે થતી મૂંઝવણ

૨૭ એપ્રિલ ૨૦૧૧ ના રોજ મારા ૨૫ વર્ષ પુરા થયા. એટલે કે ૧૦૦ વર્ષ પુરા કરવામાં મારે બીજા ૭૫ વર્ષ બાકી છે, બીજા ૭૫ વર્ષ જીવવું પડશે. દુનિયા ની દ્રષ્ટીએ હું હવે બાળક નથી રહ્યો. પણ મારામાં હજી એક બાળક જીવે છે અને મારે એને મારવા પણ નથી દેવું. મે ઘણા લોકો ને એમની અંદર રહેલા બાળક ને મારી નાખતા જોયા છે. પણ મારે એવું નથી કરવું. અમુક વાર તો મને એવું થાય છે કે મારે મોટા જ નથી થવું. લોકો શું કામ જીવન પ્રત્યે આટલા ગંભીર થઇ જાય છે એ મને નથી ખબર પડતી. હા, અમુક વાર serious થવું પડે અને એ જરૂરી પણ છે, પણ એનો મતલબ એવો નથી કે તમે કાયમ ગંભીર વાતો કરો, ગંભીર ચર્ચાઓ કરો અને દીવેલ પીધું હોય એવું મોઢું લઈને ફરો. જીવન માં ખુશ રહો, નાના બાળક ની જેમ નાની નાની વાતો માં ખુશી મેળવો, ગીતો ગાઓ, પશુ-પક્ષીઓ સાથે વાતો કરો અને પ્રકૃતિ સાથે દોસ્તી. મારું કહેવાનું એમ છે કે મને યંત્રવત જીવન જીવવું નથી ગમતું.

બીજું એ કે ૨૫ વર્ષ નો થયો એટલે હવે મારા મમ્મી-પપ્પાએ મારા માટે જીવનસાથી શોધવાનું કામ આરંભી દીધું છે. મને આ થોડું ડરામણું લાગે છે કારણ કે હું નાનપણથી પ્રેમ વિવાહ માં માનું છું; ખબર નહિ કેમ ? એનો અર્થ એવો પણ નથી કે હું અરેન્જડ મેરેજ નો વિરોધી છું પણ હા, મને અરેન્જડ નો એ દર છે કે, એમાં કોઈ છોકરો કે છોકરી, થોડી ક્ષણો ની મુલાકાત માં એક બીજા ને
કઈ રીતે પસંદ કરી શકતા હશે ? કારણ કે એ થોડી ક્ષણો ની મુલાકાત દરમિયાન તો કોઈ પણ છોકરો કે છોકરી સારો વર્તાવ જ કરવાનો કે કરવાની. એ છોકરો કે છોકરી નું પરિવાર, એમનું કહેવાતું સ્ટેટસ અને કહેવાતા સંસ્કારો જોવામાં આવે છે.

જો આટલું મેળ થાય અને છોકરો/છોકરી - એ થોડી ક્ષણો ની મુલાકાત માં - એક બીજા ને પસંદ કરે એટલે બંને પરિવાર ના સભ્યો ચાલુ કરી દે લગ્ન ની તૈયારીઓ, અને બંને છોકરો-છોકરી લાગી પડે ફોન પર વાતો કરવા. (જુના જમાનામાં પ્રેમ પત્રો લખવાની પ્રથા હતી જે હવે બંધ થઇ ગઈ છે.)

મારા આ અરેન્જડ મેરેજ ના ઉપર મુજબ પ્રશ્ન નો જવાબ આપવા અમુક લોકો એવી દલીલ કરશે કે પ્રેમ વિવાહ તો પાછલા અમુક વર્ષો થી જ પ્રચલિત થયા છે બાકી પહેલા તો ૯૯% લગ્નો અરેન્જડ જ હતા અને એમાં થી મોટા ભાગ ના સફળ પણ થયા જ છે.

બીજી દલીલ પણ લોકો આપશે કે અમુક અમુક મેગેઝીન ના તારણ મુજબ લવ મેરેજ કરતા અરેન્જડ મેરેજ વધુ સફળ થાય છે.
લોકો ની આવી દલીલો છતાં મને મારા સવાલ નો જવાબ નથી મળતો કે - અમુક ક્ષણોની મુલાકાતમાં - કે જેમાં બંને પાત્રો ખૂબ જ શ્રેષ્ઠ વર્તાવ કરવાના છે એમાં એ બંને પાત્રો નો સામાન્ય જીંદગી તો વર્તાવ બાહાર નથી આવતો; એનું શું ?

ફરીથી હું દોહરાવવા માંગુ છું કે હું અરેન્જડ મેરેજ નો વિરોધી નથી. કદાચ એવું પણ બને કે હું પોતે અરેન્જડ મેરેજ કરું, કારણ કે મને નથી લાગતું કે મારા મુમ્મી-પપ્પા મને પ્રેમ વિવાહ કરવા ની મંજુરી આપે. એવું પણ નથી કે હું અત્યારે કોઈના પ્રેમ માં છું એટલે પ્રેમ વિવાહ ને support કરું છું.

ત્રીજું કે કે છોકરીઓ ની પસંદગી કેવી રીતે કરવી ? મને ખબર છે ત્યાં સુધી છોકરીઓ માં ચાર પરિબળો જોવાતા હોઈ છે - રૂપ, સંસ્કાર, ભણતર અને કામકાજ ની આવડત. આ ચારમાં થી રૂપ અને ભણતર તો ખબર પડી જાય, પણ સંસ્કાર અને કામકાજની આવડત જ જાણવું અઘરું છે. ખબર નહિ એ કેવી રીતે મપાતા હશે ?? કારણ કે આ બે પરિબળો - "એ થોડી ક્ષણો ની મુલાકાત" માં નથી માપી શકાતા.

ચોથું એ કે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આજકાલ ની છોકરીઓ ને જુના જમાના ની જેમ બંધનો માં જીવવું નથી ગમતું. છોકરીઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવામાં માને છે. અરે, આજકાલ ની મોટા ભાગ ની છોકરીઓ ને તો એ પણ પસંદ નથી કે છોકરા ના માં-બાપ એમની સાથે રહે. જ્યારે હું એવું ઈચ્છું છું કે મારા માં-બાપ તો મારી સાથે જ રહેવા જોઈએ. અને આ વાત થી ઘર માં થોડું ઘર્ષણ રહે એ સામાન્ય હકીકત છે. નવી પેઢી અને જૂની પેઢી માં આ વિચાર ભેદ ને લીધે થતું ઘર્ષણ તો રહેવાનું જ. પણ મને આ ઘર્ષણ નથી ગમતું અને આ ઘર્ષણ ઘટાડવા બધા જ સભ્યો એ કોઈ ને કોઈ વાત માં તો ચલાવી લેવાનું વર્તન રાખવું જ પડશે,

તો જ ઘર્ષણ ઓછુ થાય.આજકાલ ની છોકરીઓ ની માનસિકતા પર જાણીતા લેખક, હંસલ ભચેચ એ ગુજરાત સમાચાર ની શતદલ પૂરતી માં, મારા જન્મદિવસ ને દિવસે જ publish થયેલ લેખ દરેક એ વાંચવા જેવો છે.
==============================================================================================
સ્ત્રીઓની પસંદગીમાં પુરુષો દેખાવ-રૂપ સિવાયની બધી જ બાબતોમાં સદીઓથી
મૂંઝવણમાં જ રહ્યા છે!
તારી અને મારી વાત -હંસલ ભચેચ
'દિકરી ને ગાય દોરે ત્યાં જાય' આવી કહેવત પાડવાવાળો જો આજે મળી જાય તો
યુવતીઓ તેને અધમૂઓ નહીં પૂરો મૂઓ કરી નાંખે!
''જીવનસાથીની પસંદગીના ધોરણો મુરતિયાની લાયકાત મૂલવીને નક્કી કરવા'' આવી
એક વ્યવહાર સમજ એક જમાનાના વડીલો ધરાવતા અને હંમેશા આ વાત ઘ્યાનમાં
રાખીને મુરતીયા શોધવા નજર દોડાવતાં. હવે આ જમાનો વીતી ગયો છે અને સમજ
બદલાઈ ગઈ છે. પસંદગીના ધોરણો અને લાયકાતો પણ બદલાઈ ગઈ છે. એ જમાનામાં
છોકરો સરકારી નોકરી કરતો હોય અને ઘરરખ્ખુ છોકરી હોય તો લગભગ આગળ કશું
જોવાનું ન રહેતું. આજે આવી લાયકાતોની કોઈ ગણતરી ખરી? કોઈ ગગો કે ગગી પણ આ
લાયકાત જોઈને લગ્ન કરવાં તૈયાર ન થાય! ટીવી, મીડિયા, ઇન્ટરનેટ જેવા
પ્રચાર માઘ્યમોએ યુવા માનસના પસંદગીના ધોરણોમાં જબરદસ્ત પરિવર્તન આણ્યું
છે. એમાંય ખાસ કરીને યુવતીઓનું માનસ આ મુદ્દે ધરમૂળથી બદલાયું છે. યુવતીઓ
પસંદગીની પ્રક્રિયામાં વઘુ સ્પષ્ટ, સ્વતંત્ર અને આક્રમક બની છે. 'દીકરી
ને ગાય દોરે ત્યાં જાય' આવી કહેવત પાડવાવાળો જો આજે મળી જાય તો યુવતીઓ
તેને અધમૂઓ નહીં પૂરો મૂઓ કરી નાંખે! એક સમયે કુટુંબ સારૂં અને પૈસાપાત્ર
હોય તો એના બબૂચક નબીરાને (સ્માર્ટ)યુવતીઓ રાજી-રાજી પરણી જતી પણ આજે હવે
આ શક્ય નથી રહ્યું.
આપણી ગુજરાતની યુવતીઓ પર કરાયેલા એક સર્વેક્ષણના તારણો જીવનસાથીની
પસંદગીના ધોરણોમાં યુવતીઓના માનસમાં આવેલા બદલાવની ચાડી ખાય છે. લગભગ
નેવું ટકા યુવતીઓને જીવનસાથી તરીકે નોકરીઆત (સરકારી નોકરીઆત પણ) નહીં,
ધંધાદારી કે ઉદ્યોગ સાહસિક જોઈએ છે. એક જમાનામાં એમ જાણવા મળે કે છોકરો
સ્વતંત્ર વ્યવસાય કે ધંધો કરે છે તો તેની સલામત આવક નથી એમ કહીને તેની
પસંદગી કરવામાં આવતી નહીં! આજે નાનો નાનો પણ પોતાનો વ્યવસાય હોય અને
છોકરામાં આત્મવિશ્વાસ, સાહસ અને આગળ વધવાની તમન્ના હોય તો તે યુવતીઓની
પહેલી પસંદ છે. યુવતીઓની આ બદલાયેલા પસંદગીમાં કંઈ ખોટું નથી પરંતુ, દરેક
સ્વતંત્ર વ્યવસાય કરનારનું ભાવિ ઉજ્જવળ છે એવું માનવું જરા વધારે પડતું
છે. છોકરો કયા પ્રકારનો વ્યવસાય કરે છે તે પણ એટલું જ અગત્યનું છે. સાથે
સાથે તેની ભૂતકાળની ઉપલબ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓ અંગેની માહિતી મેળવવી
પણ એટલી જ જરૂરી બની જાય છે. આખી જંિદગી પતિના પગારથી અજાણ એવી
સ્ત્રીઓનું સ્થાન લગ્ન પહેલાં જ પતિ કયા 'પેકેજ' સાથે નોકરી કરે છે તે
પૂછતી યુવતીઓએ લઈ લીઘું છે.
સર્વેક્ષણનું વઘુ એક તારણ એ છે કે યુવતીઓના પસંદગીના ધોરણોમાં સ્વતંત્રતા
આપે તેવા યુવકોનો સમાવેશ થયો છે. આજની યુવતીઓને નિર્ણયો લેવાની
સ્વતંત્રતા જોઈએ છે. (પતિ તરીકે પસંદગી પામનારો યુવક સ્વતંત્રતા આપશે કે
નહીં તે તેના વ્યક્તિત્વના અન્ય પાસા, તમારી સાથે વાતચીત કરવાની રીતભાત,
તેના મિત્રો સાથેના સંબંધો, તેના પિતાનો તેની માતાને સ્વતંત્રતા આપવાનો
અભિગમ વગેરેથી મૂલવી શકાય.) યુવતીઓને પોતાની સ્વતંત્રતામાં કોઈપણ
પ્રકારની બાંધછોડ થાય તે મંજુર નથી. લગ્ન-જીવનમાં ચાલતા ખટરાગના ઘણાબધા
કિસ્સાઓના મૂળમાં સ્વતંત્રતા સંબંધી મુદ્દાઓ જોવા મળે છે અને આ મુદ્દે
કોઈપણ પ્રકારની બાંધછોડ કે સમાધાન કરવાનું વલણ આજકાલની યુવતીઓમાં ઓછું
જોવા મળે છે. આ ઉપરાંત યુવતીઓને સહજીવનમાં સમાન દરજ્જાની અપેક્ષા છે.
કોઈપણ ભોગે તે સ્વમાનભંગ થાય તો ચલાવી લેવા માનસિક રીતે તૈયાર નથી.
બીજા અર્થમાં જોઈએ તો, એક સમયે પોતાના ભાવિ પતિમાં, પિતા કે આદર્શ નાયક
(ફિલ્મનો, નવલકથાનો કે પ્રણય કથાઓનો)ની છબી શોધતી યુવતીઓ આજે વઘુ
વાસ્તવિક બની છે. સ્ત્રીઓના માનસમાં વિચરતી સ્વતંત્ર વિચારધારાનું આ
પરિણામ છે. માત્ર પ્રેમમાં પાગલ બનીને અણઘડ નિર્ણયો લેતી યુવતીઓની સંખ્યા
ઘટી રહી છે. સમજી-વિચારીને સ્વતંત્ર નિર્ણય લેવાની અને તેને વળગી રહેવાની
માનસિકતા આજની યુવતીઓ કેળવી રહી છે.
યુવકોના પસંદગીના ધોરણો પણ ચોક્કસ બદલાયા છે. પરંતુ યુવતીઓની જેમ ઉડીને
આંખે વળગે તે રીતના નહીં. હજીય મોર્ડન યુવકોને મન રૂપનું મહત્ત્વ એટલું જ
છે. ફેશનેબલ યુવતી ગમે છે પણ સાથે સાથે ઘરરખ્ખુ તો હોવી જ જોઈએ. જીવનસાથી
પસંદ કરવાના એ જ જુના ધારા-ધોરણોમાંથી તે એટલો બહાર નથી આવ્યો અને નવા
ધોરણો ઉમેરાતા ગયા છે. સરવાળે ભાવિ પત્નીઓ પરત્વેની તેમની અપેક્ષાઓ સતત
વધતી ચાલી છે. તેને કમાતી પણ ઘરરખ્ખુ, બુઘ્ધિશાળી પણ દલીલ ન કરે તેવી,
સ્વતંત્ર પણ પુરુષ સમોવડી બનવાની ચેષ્ટા ન કરે તેવી, ભાવિ પત્ની જોઈએ છે.
પસંદગીના આ ધોરણો પરસ્પર વિરોધી છે. કમાતી સ્ત્રી ઘરરખ્ખુ કેવી રીતે બની
શકે? એટલો સમય અને શક્તિ ક્યાંથી લાવે (આજની પેઢી તો વાત-વાતમાં થાકી જાય
છે!) બુદ્ધિશાળી સ્ત્રી દલીલ કર્યા વગર કેવી રીતે બેસી રહે?! કહેવાનું
તાત્પર્ય એટલું જ છે કે સ્ત્રીઓની પસંદગીમાં પુરુષો દેખાવ-રૂપ સિવાયની
બધી જ બાબતોમાં સદીઓથી મૂંઝવણમાં જ રહ્યા છે. (આજકાલ તો જે રીતે મેક-અપના
સાધનો અને આંતર-વસ્ત્રોમાં વિવિધતા આવી ગઈ છે તે જોતાં હવે તો રૂપ અને
દેખાવ પણ સાચા છે કે નહંિ તેની મુંઝવણ થઈ જાય તેમ છે!) અને આજે પણ હજી
ત્યાં ના ત્યાં જ છે અને સ્ત્રીઓ સાવ બદલાઈ ગઈ છે!
પૂર્ણવિરામ
સંબંધોમાં તમને છેતરી શકે તેવી વ્યક્તિને ન ઓળખી શકો તો કોઈ વાત નહી પણ,
તમને જે સમજી શકે તેવી વ્યક્તિને ન ઓળખી શકો તો એ તમારી કમનસીબી કહેવાય!
===========================================================================================
બસ, તો આ સાથે જ હું મારું આ લાંબુ કન્ફયુઝન સમાપ્ત કરું છું. કરેક
વસ્તુ, દરેક વાત અને દરેક વિચાર ના બે પહેલું હોય છે - સારા અને ખરાબ.
અરેન્જડ મેરેજ હોય કે લવ, બન્ને ના સારા અને ખરાબ પાસાઓ છે.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...