Sunday, December 1, 2013

માણસને તો પોતાના અપલક્ષણ નડે છે.

ન તો રાહુ નડે છે, ન તો શનિ નડે છે. માણસને તો પોતાના અપલક્ષણ નડે છે.
- યશપાલસિંહ જાડેજા

Wednesday, October 30, 2013

ભણતર અને શિક્ષણ વચ્ચે નો તફાવત

ભણતર અને શિક્ષણ વચ્ચે નો તફાવત એટલો કે ભણતર માણસને પૈસા કમાતા શીખવે અને શિક્ષણ માણસને જીવન જીવતા શિકવે.

- યશપાલસિંહ જાડેજા

Saturday, September 7, 2013

વાઈઝ ઈનફ ટુ બી ફૂલીશ

એમેઝોન ઇન્ડીયા એ આજે આ ઈ-બૂક ફ્રી આપે છે. જો તમારી પાસે એમેઝોન કિંડલ હોય તો આજે જ ડાઉનલોડ કરો. કિંડલ ન હોય તો પણ તમે એનું એપ ડાઉનલોડ કરીને વાંચી શકો છો.

વિગતવાર પોસ્ટ માટે મારા અંગ્રેજી બ્લોગ પરની આ લીંક જુઓ.
  

Saturday, August 31, 2013

કરી લે દીકરા, જે ગુનાહ કરવા હોય એ કરી લે, તું તો હજી નાબાલિક છે.

દિલ્હી ગેંગરેપ ના નાબાલિક  આરોપી ને ફક્ત 3 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. અને તે પણ જેલમાં નહિ જવું પડે, થેન્ક્સ તો આપણો કાયદો જે આટલા ગંભીર ગુનાહ માટે પણ બદલાય નથી શકાતો.

આવા ગંભીર, નિર્લજ્જ અને ઘાતકી અપરાધ માટે જો ફક્ત 3 વર્ષની મામુલી સજા આપવામાં આવતી હોય અને તે પણ જેલ માં જયા વગર, ફક્ત જુવેનાઈલ હોમમાં રહીને તો એ સાબિત કરે છે કે આપણું ન્યાયતંત્ર કેટલું નબળું છે.

આ એજ નાબાલિક છે જેને 16મી ડીસેમ્બર ના રોજ દિલ્હીમાં ચાલુ બસે બીજા મિત્રો સાથે એક ફિઝીયોથેરાપીમાં ભણતી વિદ્યાર્થીની પર બળાત્કાર કરી એની યોનીમાં કટાય ગયેલો લોઢાં નો સળીયો નાખેલો. જો આવા ઘાતકી ગુનાહ માટે પણ આપણે આપણા કાયદાઓ ના બદલી શકતા હોય તો ખરેખર આ તો જાણે એવું કહે છે કે :

કરી લે દીકરા, જે ગુનાહ કરવા હોય એ કરી લે, તું તો હજી નાબાલિક છે. તને સજા થશે તો પણ મામુલી સજા થશે અને તે પણ જેલમાં જયા વગર.

Kar Lo Beta, Jo Crime Karna He Kar Lo. Tum To Naabaalik Ho

Monday, August 26, 2013

ડાયરી ઓફ અ વિમ્પી કિડ

મને ડાયરીઓ વાંચવી ગમે. ખાસ કરીને જે નાના બાળકોએ લખેલી હોય કારણ કે એ બાળકોની માસુમિયતદેખાડે છે. જેમ કે મેં "ડાયરી ઓફ અ યંગ ગર્લ (એન ફ્રેન્ક)" ના થોડા પન્નાઓ વાંચેલા છે. અને હાલ માં જ્યારે એમેઝોન પર સેલ હતું ત્યારે મેં "ડાયરી ઓફ અ વિમ્પી કિડ" ખરીદી. લેખક છે જેફ કિની.

આ  વિષે વધુ વાંચવા માટે જુઓ આ મારી અંગ્રેજી બ્લોગ પર ની પોસ્ટ.


Thursday, August 22, 2013

લેખનના ફાયદા

કૉલેજનું ભણતર પૂર્ણ કર્યા પછી મારું લેખન ખુબ જ ઓછું થઇ ગયું છે, ખાસ કરીને પેન અને કાગળ પરનું લેખન. કામ ના સ્થળે મીટીંગમાં લખાણ કઈ થાય એ અથવા તો કોઈ વાર ડાયરીમાં લખું - એ સિવાઈ ભાગ્યે જ કઈ લખાણ થાય છે.

કોમ્પુટર પર લખવા કરતાં મને પેન અને કાગળ પર લખવાનું વધારે ગમે છે. હા, સ્કૂલમાં હતો ત્યારે ઘરકામના ભાગરૂપે લખવાનો કંટાળો આવતો અને લગભગ વેઠ જ ઉતારવામાં આવતી.

વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે પેન અને કાગળ નો ઉપયોગ કરીને લખવાથી આપણે વાધારે એકાગ્ર થઇ શકીએ છીએ અને તમે સરળતાથી તમારા વિચારોની પેટર્ન બનાવી શકો છો અને વિચારો ને લય બદ્ધ રીતે ગોઠવી શકો છો.

મિટિંગ દરમિયાન પણ મુદ્દાઓ યાદ રાખવા કરતા પેનથી કાગળ પર ટપકાવવા સહેલા હોય છે અને તમે ગમે ત્યારે એને ફેંદી શકો છો.

બીજું એ પણ મેં અનુભવ્યું છે કે મિટિંગ કે લેકચર દરમિયાન લખવાથી આપણું ધ્યાન ઓછું વિચલિત થાય છે.

ટેકનોલોજી ના આગમનથી આપણી પાસે બીજા એવા ઘણાં ઉપકરણો અને સોફ્ટવેર છે - જેમ કે Evernote, ઇલેક્ટ્રોનિક પેન અને ટેબ્લેટ જે આપણને લખવામાં મદદરૂપ થઇ શકે છે. પણ એ બધું હોવા છતાં પેન અને કાગળને કોઈ પહોચી ના વળે.


Sunday, August 18, 2013

પ્રિયજન - વીનેશ અંતાણી

ગઈ કાલે રાતે 'પ્રિયજન' વાંચીને પૂરી કરી. વીનેશ અંતાણી દ્વારા 23મી માર્ચ 1979ની રાતે અઢી વાગ્યે લાખાયને પૂરી કરેલી આ નવલકથા ઘણાં સમયથી મારી પાસે હોવા છતાં વાંચવાની બાકી રહી જતી હતી. અને પરમદિવસે હાથમાં આવતાવેત મેં વાંચવાની શરું કરી અને 2 દિવસમાં પૂરી કરી.

પ્રિયજન માટે રીવ્યુ લખવાની મારામાં ક્ષમતા નથી. હું ફક્ત એટલું જ કહીશ કે જો તમે જીવનમાં કોઈને પ્રેમ કર્યો હોય, કોઈની યાદમાં ઝુર્યાં હોય અથવા જેમ વિનેશભાઈ કહે છે તેમ -

જીવનને ભરપૂર જીવી લીધું હોય,
બધું જ સભર હોય
છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે
એકાદ ચહેરો મનમાં છલકાઈ જાય.
એવું બને ત્યારે પ્રશ્ન થાય
કઈ ક્ષણ સાચી ?
કે પછી બંને જ સાચી ?
જો આવું કઈ પણ તમને થયું હોય તો તમારે આ પુસ્તક જરૂર વાંચવું.

જીવનમાં ઘણીવાર સુખ અને દુઃખ બંને એક સાથે ઘોડા પર બેસીને આવતા હોય છે. પ્રેમનું પણ કંઈક એવું જ છે. જેને પ્રેમ કરતાં હોઈએ એ સાથે હોવા છતાં એને ન પામવાનું દુઃખ માણસના હૃદયને કોતરી ખાતું હોય છે.

મારા મતે પ્રેમના ઘણાં અલગ અલગ પાસાઓ છે. કોઈને પ્રેમ કરવો, કોઈનો પ્રેમ પામવો, જુના પ્રેમને ઈચ્છાથી કે અનિચ્છાથી ભૂલી જઈને કોઈ નવી વ્યક્તિને પ્રેમ કરવો એ બધું જ અલગ છે. દરેક પ્રેમની તીવ્રતા અલગ હોય છે.

જેમ આજના દિવ્યભાસ્કરની પૂર્તિમાં કાંતિ ભટ્ટે લખ્યું છે - Every love story is a potential grief story - આર્થાત દરેક પ્રેમકથા આખરે તો પીડાની કથા બની જવાની છે. પ્રેમ કરો ત્યારે પીડા માટે તૈયાર રહેજો.

પ્રિયજનમાં ચારુ દિવાકરને કહે છે - "દિવાકર ... મનની અંદર પણ એક વિશ્વ હોય છે અને એ વિશ્વમાં કેટલાયે અધૂરા છેડાઓ લટકતા હોય છે. આપણા સમયની બહાર પણ પાછળ રહી ગયેલી ઘટનાઓ હોય છે. તમે કેટલી ઘટનાઓને આંબી શકશો?"

બસ, આમ જ જીવનમાં બધું મેળવી લીધાં પછી પણ માણસને નમતી સાંજે કંઈક કોરી કાતું હોય છે, કંઈક ઝંઝોળી નાખતું હોય છે અને ભરપૂર આનંદના વાતાવરણમાં આપણે દુઃખી અને એકલા થઇ જઈએ છીએ.

પ્રિયજન - Flipkart પરથી ખરીદવા માટે


પ્રિયજન - Amazon પરથી ખરીદવા માટે

Thursday, August 15, 2013

દેશભક્તિ એક દિવસીય 'અફેર' નથી

આજે ભારતનો સ્વતંત્રતા દિવસ છે. 66 પહેલાં, 15મી ઓગસ્ટ ના રોજ ભારત અંગ્રેજોના રાજ માંથી મુક્ત થયો હતો.

આજને દિવસે ઘણાં ખરા ભારતીયો એ એમની દેશભક્તિની લાગણી ફેસબુક અને ટ્વીટર પર વ્યક્ત કરી.

એવું લાગતું હતું કે જાણે ભારત ના નાગરિક તરીકે એમની નૈતિક ફરજ હતી પોતાની દેશભક્તિ સોશિયલ નેટવર્ક્સ પર પબ્લીશ કરવાની.

જો કે, આ લાગણી પછીના દિવસે મૃત્યુ પામે છે. દરેક વ્યક્તિ પોતાના દૈનિક કામકાજ સાથે વ્યસ્ત રહેશે અને ફરી એક વર્ષ બાદ, તેમનામાં દેશભક્તિ જાગે છે અને ફરી એક વાર સોશિયલ નેટવર્ક્સ પર દર્શાવવામાં આવશે.

 
દેશભક્તિ તો હૃદય માંથી ઉત્પન્ન થાય. એને તમારા સ્ટેટસ અપડેટ્સ સાથે કોઈ લેવાદેવા નથી.

દેશભક્તિ એક દિવસીય 'અફેર' નથી. એતો એક માતાના એના પુત્ર માટે ના પ્રેમ જેવો હોય છે, બિનશરતી પ્રેમ.

આપણા સશસ્ત્ર દળ એક સાચા દેશભક્ત કહેવાય જે ખડે પગે આપણી સુરક્ષા માટે દિન-રાત બોર્ડર પર તૈનાત છે. એ લોકો એમના દિલમાં દેશભક્તિ હંમેશા પ્રજ્વલિત રાખે છે. આપણી જેમ એક દિવસની ભાડાની નહિ જે વર્ષમાં એક વાર ફેસબુક અને ટ્વીટર પર દેખાય અને પછી ખોવાય જાય.

મેરા ભારત મહાન. જય હિન્દ.

Tuesday, August 13, 2013

પુસ્તકો ના રસિયાઓ આ ઓફર નો લાભ ઉઠાવે

એમેઝોન ડોટ ઇન પર હાલમાં ખુબ જ જોરદાર ઓફર ચાલી છે. ખાસ કરીને મારા જેવા વાંચન પ્રિય લોકોએ લાભ લેવા વિનંતી. ઘણાં બધા પુસ્તકો પર 66% જેટલું discount છે.

આ રહી એક ઝલક :

               

બીજી આવી જ ઓફર્સ વિષે માટે આ લિંક પર ક્લિક કરો. આ ઓફર ટૂંક સમય માટે જ છે.

Tuesday, August 6, 2013

અંગ દાન દિન - હું એક અંગ દાતા છું. તમે પણ બનો

આજે 'અંગ દાન દિન' છે. અને મેં મારી વર્ષો જૂની ઈચ્છા પૂર્ણ કરી. એમ તો આંખોની સાથે સાથે મેડીકલ કૉલેજ માં દેહ દાન કરવાની ઈચ્છા હતી, પણ પછી આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નું અંગ દાન વિષે નું કેમ્પેઈન જોઇને અને પપ્પા-મમ્મીની ઈચ્છા મુજબ ખાલી અંગ દાન માટે નું ફોર્મ ભર્યું.

મેં મારી આંખો, બન્ને કીડનીઓ, ફેફસાં, હૃદય, સ્વાદુપિંડ અને યકૃત (લીવર) દાનમાં આપવાનો સંકલ્પ કર્યો છે. મેં અને મારા પરિવારના સભ્યોએ હંમેશા અંગ દાન ને પ્રોત્સાહન આપ્યું છે. મારા બા-બાપુજીએ પણ આંખો દાન કરેલી અને પપ્પા-મમ્મીએ પણ આંખો ના દાન માટે નો સંકલ્પ કર્યો છે. અને હવે મેં પણ અંગ દાન નો સંકલ્પ કર્યો છે.

તમે પણ કરો. જીવતે જીવ જો કોઈને કામ ના લાગ્યા હોય તો મર્યા પછી લાગો. અંગ દાન નું સંકલ્પ કરો અને કોઈના જીવનમાં ખુશી લાવો. નક્કામાં થઇને બળી જવા (કે દેફ્નાય જવા) કરતા કોઈ ને ખુશી આપવી પુણ્ય નું કામ છે.

Read this post on my English blog.

નવાજુની - 1

  • 2 દિવસથી ગળામાં ઇન્ફેકશન છે.
  • નાક વહે છે.
  • વિકનેસ લાગી રહી છે.
  • કામ ઘણું રહે છે.
  • વાંચવાનું ઘણું છે.
  • આશા રાખીએ તબિયતમાં જલ્દી સુધારો થાય. :-)

Sunday, August 4, 2013

ફ્રેન્ડશિપ ડે પર કોઈ એસ.એમ.એસ નહી. ફક્ત વ્હોટ્સએપ

સહુંથી પહેલાં બધાં જ ભાઈબંધો અને બહેનપણીઓ ને "હેપ્પી ફ્રેન્ડશિપ ડે".

એક જમાનો હતો કે ફ્રેન્ડશિપ ડે ના દિવસે સવાર સવારમાંમોબાઈલમાં એસ.એમ.એસ નો ધોધમાર વરસાદ પડતો. અને હવે એજ એસ.એમ.એસ ને બધાં ભૂલી ગયા છે અને હવે બધાં વ્હોટ્સએપ પર વરસાદ વરસાવે છે.

વિગતવાર પોસ્ટ વાંચો મારા ટેકનોલોજી બ્લોગ પર - ટેકનોલોજીકલ નોટ્સ.

Thursday, August 1, 2013

30 દિવસ માટે કઈ નવું કરો

કોઈ પણ સારી આદત પાડવા માટે કે પછી કોઈ બુરી આદત છોડવા માટે આપણે જ્યારે લગાતાર એના માટે પ્રયાસ કરીએ તો એ પછી આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની જાય છે.

ગૂગલ ના મેટ કટ્સ નો વીડિઓ મેં જોયેલો ત્યાર થી આવું કઈક કરવાની મને પ્રેરણા થઇ હતી. મેટ નો બ્લોગ હું છેલ્લાં ઘણાં સમયથી વાંચું છું. એને એક પ્રયોગ કર્યો છે. 30 દિવસ સુધી આપણે કઈક એવું કરવાનું જે આપણે હજી સુધી જીવનમાં કર્યું ના હોય, કઈક એવું જેને આપણે આપણા જીવનમાં એક સારી આદત તરીકે જોવા માંગતા હોય.

મેં આવી એક વાત પહેલાં પણ કોઈ જગ્યાએ વાંચેલી કે જો કોઈ વ્યક્તિ 21 દિવસ સુધી રોજ કોઈ એક કામ કરે તો એ કામ એના જીવનમાં આદત બની જાય છે. 21 દિવસનો આંકડો કઈ રીતે આવ્યો એતો ખબર નથી પણ આપણે આપણા પ્રયોગ માટે એક મહિનો, એટલે કે 30 દિવસ રાખી શકીએ છીએ. દર પહેલી તારીખે નવું કઈ શરું કરવાનું.

તમારા જીવનમાં આવનારા 30 દિવસો તો એમ પણ પસાર થવાના જ છે, તમે કઈ રીતે એ 30 દિવસ પસાર કરવા માંગો છો એ તમારે નક્કી કરવાનું છે. અને કોઈ પણ સારી આદત કેળવવા માટે કે કોઈ બુરી આદત ને જીવનમાંથી બાદબાકી કરવા માટે 30 દિવસ નો સમયગાળો ઘણો છે. 30 દિવસ પછી જો તમને એ આદત ગમે તો ચાલું રાખો અથવા તો પડતી મુકો. પણ મરતી વખતે તમને કઈક કર્યા નો સંતોષ હશે.

મેં મારા માટે ગઈ કાલથી મારી ડાયરી ની સાઈઝ નું એક પાનું લખવાની (અને જો સમય મળે તો બ્લોગ પર ઉપડેટ કરવાની) મારી 30 દિવસ ની ચેલેંજ તરીકે સ્વીકારી છે. અને આ પોસ્ટ એના જ ભાગ રૂપે છે.

બીજી આદતો જે હું કેળવવા માંગુ છું :
  • રોજ ના કોઈ પણ પુસ્તક ના 30 પાના વાંચવા (જેથી કરીને આ પોસ્ટ સાર્થક થાય ;-))
  • રોજ સવારે 5 વાગ્યે ઉઠી ને યોગાસનો કરવા અથવા ચાલવા જવું.
તો તમે શું વિચારો છો? શું નવી આદત તમારા જીવનમાં કેળવવા માંગો છો? વધારે પ્રેરણા માટે મેટ કટ્સ નો આ વીડિઓ જુઓ.


પુસ્તકોનો નશો

વાંચવાનો ગાંડો શોખ હોવાને કારણે હું પુસ્તકો ભેગાં કરતો કરું છું અને ખરીદતો રહું છું અને સમય અત્યારે એવો આવી ગયો છે કે ઘણાં ખરા પુસ્તકો વંચાયા વગરના પડી રહ્યાં છે. પર તોય નવાં પુસ્તકો જોઇને એમને ખરીદવાનો નશો ચડી જાય છે.

આ બાબતે હું મારી જાત ને દારૂડીયા સાથે સરખાવું છું. જેમ દારૂની લત વાળી વ્યક્તિને દારુની ગમે તેટલી બાટલીઓ ઘરે હોવા છતાં દારૂની દુકાને જઈને 'નવી બાટલી ભાળી નથી કે લેવાની ઈચ્છા થઇ નથી' તેમ મારે પણ પુસ્તકોની દુકાને 'નવું પુસ્તક ભાળ્યું નથી કે લેવાની ઈચ્છા થઇ નથી' જેવી હાલત છે.

વાંચવું એ દારુ ઢીંચવા જેવું છે અને પુસ્તકો ભેગાં કરવા એ ઘરમાં જ બાર બનાવવા જેવું છે. દારુદીયાના ઘરે બારમાં બાટલીઓ શોભે એમ મારા રૂમમાં પુસ્તકો શોભે.

હા, તો મૂળ વાત એ હતી કે આપણે હવે બાટલીઓ (પુસ્તકો) ભેગાં કરવાનું થોડા સમય માટે અટકાવીને ઘરે પડેલા દારુ ધીચ્વાનું કામ હાથ પર ધરવું પડશે. ;-)

Saturday, July 27, 2013

ભરપેટ જમવાનું રૂ. 1માં, રૂ. 5માં અને રૂ. 12માં - વાહ ભાઈ વાહ

ભારતના રાજકારણીઓ કયા જમાનામાં જીવે છે એ ખબર નથી પડતી. ફિલ્મ અભિનેતા અને હવે રાજકારણી એવા રાજ બબ્બર કહે છે કે તમે રૂ. 12માં ભરપેટ જમી શકો છો. રશીદ મસૂદ સાહેબ કહે છે કે તમે રૂ. 5માં ભરપેટ જમી શકો છો. અને ફારૂખ અબ્દુલ્લાહ સાહેબ તો રૂ. 1માં ભરપેટ જમી શકાય એવું કહે છે. અરે ભાઈ, અડધી ચા પણ ઓછાં માં ઓછાં રૂ. 5 ની પડે છે ત્યાં 'ભરપેટ' જમવાની વાત તો ક્યાંથી થઇ શકે ?

ભૈલાઓ કઈ પણ બોલતા પહેલાં જરા માર્કેટમાં નીકળી ને ભાવ તો પૂછી જુઓ પછી ખબર પડશે કે રૂ. 1માં તો કોઈ જમવાની થાળી પણ પીરસી નહિ આપે. ચાખવાની અને 'ભરપેટ' જમવાની વાત તો બાજું પર રહી.

Monday, July 15, 2013

પેટ્રોલનો ભાવ ફરી પાછો વધ્યો. કઈ વાંધો નહી.

પેટ્રોલનો ભાવ ફરી પાછો વધ્યો. કઈ વાંધો નહી. આપણે ચિંતા નહીં કરવાની. આપણે તો ૧૦૦ રૂપિયાનું જ પુરાવાનું હોય છે ને. :-)

હું નાનો હતો ત્યારે પણ પપ્પા ૧૦૦રૂપિયનું જ પેટ્રોલ એમના સ્કૂટરમાં પુરાવતાં અને એ જોઈ ને હું પણ મોટો થયો ત્યારનો ૧૦૦ રૂપિયાનું જ પેટ્રોલ પુરાવું છું. 

Tuesday, July 9, 2013

પ્રેમ, બ્રેકઅપ અને બીજું બધું આડું અવળું

હાલમાં હું મારા પ્રિય લેખક કાંતિ ભટ્ટનું પુસ્તક "પીડામાંથી પ્રેરણા" વાંચી રહ્યો છું. કાંતિ ભટ્ટના 'ચેતનાની ક્ષણે' ના લેખોનું સંકલન છે. તેમાં એક લેખ છે જેનું શીર્ષક છે "વિચારી-વિચારીને પ્રેમ કે મૈત્રી કરી શકાય ?"

આ લેખના પ્રથમ ફકરામાં કાંતિ ભટ્ટે મુંબઈની એક મહિલા કૉલેજની મહિલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને સલાહ આપેલી એની વાત કરી છે. પ્રિન્સીપાલ કહે છે - "યુવાની આવે ત્યારે કોઈ પણ યુવકને તમે ભલે દિલ આપો, પણ શરીર ના આપશો અને શરીર આપો તો પછી દિલ ન આપશો. આટલો નિયમ રાખશો તો પછી કોઈ પ્રકારનો માનસિક આઘાત નહિ લાગે. લાગણીઓમાં ખેચાવાની યાતનામાંથી છૂટી શકશો, કારણ કે જેમ હોળી રમીને ગંદા થયેલા શરીર પરથી નાહવાની સાથે જ રંગો ઊતરી જાય છે તેમ માત્ર શરીર જ સંડોવાયું હશે તો સંતાપ લાંબો નહિ તકે."

કાંતિ ભટ્ટ આ શિખામણ સાથે સંમત નથી થતા અને હું પણ નથી થતો. કાંતિ ભટ્ટ કહે છે - "પ્રેમમાં શરીર અને દિલને અલગ નથી પાડી શકાતાં. પ્રેમ કઈ ફૂંકી-ફૂંકીને નથી કરી શકાતો. એ તો પાગલ માણસનું કામ છે. ડાહ્યા માણસો પ્રેમ કરી ન શકે."

આગળ કા.ભ. એકવીસમી સદીમાં થતાં પ્રેમ વિષે કહે છે - "એકવીસમી સદીમાં પ્રેમ એ કઈ પરમેનન્ટ પેન્શનેબલ જોબ નથી. પ્રેમ થઇ જાય તો થઇ જાય, એની લંબાઈ-ટૂંકાઈ ન જોવાય."

આજે ઠેર ઠેર સ્કુલ-કૉલેજ ના છોકરા-છોકરીઓ પ્રેમમાં પડે છે અને પછી બ્રેકઅપ કરે છે અને ફરી પાછા બીજા કોઈ જોડે પ્રેમમાં પડે છે. હું લગ્ન પહેલા થતાં પ્રેમમાં બ્રેકઅપ ની તરફેણમાં છું કારણ કે પરાણે પરાણે પ્રેમ ન થાય. સહન કરી કરીને પ્રેમનો ઢોંગ કરવા કરતા નફફટ થઈને બ્રેકઅપ કરવું વધુ ઉચિત છે.

જીયા ખાને જો આદિત્ય પંચોળીના દીકરા સુરજ પંચોળીની સાથે બ્રેકઅપ કરી નાખ્યું હોત અને એને ભૂલીને બીજા કોઈના પ્રેમમાં પડી હોત તો એ અત્યારે જીવતી હોત.

પણ બ્રેકઅપ કરવો પણ ક્યા સહેલો હોય છે ? પ્રેમ એટલો અટપટી ચીજ છે કે બે પ્રેમીઓ વચ્ચે પ્રેમ છુમંતર થઇ ગયા પછી પણ એ નિષ્પ્રેમ અવશતા સીવ્કારવી મુશ્કેલ બને છે અને એટલે જ બ્રેકઅપ કરવું સહેલું નથી હોતું. 

નોંધ : આ પોસ્ટમાં મેં લગ્ન પહેલાં થતાં પ્રેમ અને બ્રેકઅપની જ વાતો કરી છે.  બે વ્યક્તિઓના લગ્ન પછીના બ્રેકઅપ ને ડિવોર્સ કહેવાય અને હું ડીવોર્સને બિલકુલ સમર્થન નથી આપતો (અમુક હદ વટાવી જનારા અપવાદ સિવાય) કારણ કે એમાં બે વાક્તીઓની સાથે એમના બાળકો અને પરિવારજનો પણ ચકડોળે ચડે છે.

એટલે લગ્ન પછી તો બને ત્યાં સુધી પડ્યું પાનું નિભાવી લેવું જોઈએ. અથવા એને શક્ય હોયતો સરખું લાગણીભર્યું કરવા મથતાં રહેવું અને જીવ્યે જવું. 

Friday, July 5, 2013

ધ બટરફ્લાય જનરેશન - રીવ્યુ

ગઈ કાલે "ધ બટરફ્લાય જનરેશન" વાંચી ને પૂરી કરી. લેખક છે પલાશ ક્રિશ્ના મેહરોત્રા.

પુસ્તકને ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે - One-on-One, Wide Angle અને Here We Are Now, Entertain Us.



પહેલાં ભાગમાં 8 લોકોની નાની નાની વાર્તાઓ છે. એવા લોકો જે લેખકના મિત્રો અથવા તો લેખક સાથે સંબંધ રાખનાર એની પ્રેમિકાઓ ની છે. એ બધા જ યુવાન છે. આ વાર્તાઓ આજના યુવાનોની માનસિકતા તથા કામ-કાજ વિશેની છે. આજના યુવાનોનું કેવા ડ્રગ્સના બંધાણીઓ છે એના પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમ કે એક વાર્તા એક ફોટોગ્રાફરની છે જે હાલ દેવામાં છે પણ એના સારા દિવસો માં એની પાસે ઘણા રૂપિયા હતા અને હવે એ આશા રાખીને બેઠો છે કે ક્યારે એ દિવસો પાછા આવે. બીજી એક વાર્તા સ્ક્રીપ્ટ લેખકો ની છે જે મુંબઈમાં બોલીવૂડ માટે લખે છે. બીજી એક વાર્તા કૉલ સેન્ટરમાં કામ કરતા યુવાનોની છે જેમને નાની વયે સારી કમાણી મળી ગઈ છે અને સાથે સાથે ડ્રગ્સનું બંધાણ પણ.

લેખકે  ખુબ જ અસરકારક રીતે ગામડા કે નાના શહેરોમાં થી આવતા અને દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં વસતા/કામ કરતા આવતા યુવાનોની વાત કરી છે જે એમના માતા-પિતાના રૂઢીચુસ્ત વિચારોના બંધનોમાંથી મુક્ત થયા છે.

પુસ્તકનો બીજો ભાગ પહેલા ભાગના મુદ્દાઓને વિસ્તૃત પરિપ્રેક્ષ્યથી સમજાવે  છે.

મને સહુંથી વધું એ ગમ્યું કે લેખકે આજના યુવાનો એમની નોકરી ને લઇ ને કેટલા સજાગ છે એ તેમને વિસ્તારથી સમજાવ્યું છે. આજના યુવાનો ને હવે મલ્ટીનેશનલ કંપનીઓના શેફ કે પિઝ્ઝા બોય બનવામાં શરમ લાગતી નથી.

ત્રીજો  ભાગ અમુક જગ્યારે વધારે લાંબો લાગ્યો છે. ત્રીજા ભાગની શરૂઆત સમય જતા ટી.વી. ના થયેલા વિકાસની છે. દૂરદર્શન થી લઈને એમ. ટી.વી સુધી.

પછીથી  લેખક સંગીતમાં આવેલા ફેરફાર, ભારતમાં આવેલા વિદેશી બેન્ડ્સ, ભારત ના ખુદના બેન્ડ્સ અને એમનો વિસ્તાર વિષે વાત કરી છે.

ટૂંકમાં  જો તમે 70 કે 80 ના દાયકામાં જન્મેલ વ્યક્તિ છો તો આ પુસ્તક તમારા માટે છે.

ધ બટરફ્લાય જનરેશન એમેઝોન પરથી ખરીદવા માટે

ધ બટરફ્લાય જનરેશન ફ્લીપકાર્ટ પરથી ખરીદવા માટે

Saturday, June 29, 2013

વાંચવા જેવા 2 પુસ્તકો

હમણાં મેં 2 પુસ્તકો ખરીદ્યા:

  1. Notes to Myself: My Struggle to Become a Person - Hugh Prather
  2. The Other Side of Me - Sidney Sheldon
બંને પુસ્તકો વાંચવા જેવા છે. વિસ્તારથી આ પુસ્તકો નો રીવ્યુ પછી કોઈ વાર પોસ્ટ કરીશ.

Notes to Myself એ એવું પુસ્તક છે જે તમે ફરી ફરીને વાંચશો. ગીફ્ટ આપવા માટે પણ ઉત્તમ પુસ્તક છે. એ પુસ્તક આપદને આજ માં જીવવાનું શીખવે છે. આપણા જીવનની નાની નાની ખુશીઓ માણવાનું શીખવે છે જે આપણે નજરન્દાઝ કરીએ છે.

આજના જીવનમાં આપણે ભવિષ્યની ચિંતા માં હાલ ની ખુશીઓ ને બરબાદ કરીએ છે.

જેમ પુસ્તકના લેખક કહે છે -
મારે ખુશ થવા માટે કોઈ "કારણ"ની જરૂર નથી. અત્યારે ખુશ થવા માટે મારે ભવિષ્યનો સંપર્ક નથી કરવાનો.
લેખકનું લખાણ ખુબ જ સરળ છે અને દિલ થી લખેલું છે. જેમણે અંગ્રેજી સમજ પડતી હોય એ લોકોએ અવશ્ય વાંચવા જેવું છે.

ફ્લીપકાર્ટ પર આ પુસ્તક મેળવવાની લીંક.


The Other Side of Me એ એક વાર્તા સાથે શરુ થાય છે જેમાં લેખક ઊંઘની ગોળીઓ ખાયને  આત્મહત્યા કરવા માંગે છે. પણ એ પહેલા એના સેલ્સમેન પિતાને એનો પ્લાન ખબર પડી જાય છે. પિતા વધવાની જગ્યાએ એના પુત્રને ફરવા લઇ જાય છે અને પછી જો એને યોગ્ય લાગે તો આત્મહત્યા કરવાની છૂટ આપે છે.

પિતા એના લેખક બનવા માંગતા પુત્ર ને સલાહ આપે છે -
જીવન એક નવલકથા જેવું છે. જ્યાં સુધી તમે પાનું નહિ ફેરવો ત્યાં સુધી આગળ શું થવાનું છે એનું કઈ ખબર નથી.

અને પછી, એ છોકરો જીવવાનું વિચારે છે અને આપણને એક મહાન વાર્તાકાર "સિડની શેલ્ડન" મળે છે.

ફ્લીપકાર્ટ પર આ પુસ્તક મેળવવાની લીંક.


એમેઝોન પરથી ખરીદવાની લીંક :

Tuesday, June 25, 2013

એક નાનો મેળાવડો

મારા એન્જીનીયરીંગ સમય ના મિત્રો સાથેની ઘણા વખતથી લંબાયેલ મુલાકાત ગયા શનિવારે હું જ્યારે વેકેશન માટે ભરૂચ ગયો હતો ત્યારે પૂરી કરવામાં આવી.

WhatsApp પર અને કોલ કરી કરી ને ઘણી લાંબી ચર્ચાઓ ને અંતે અમે વડોદરામાં મળવાનું નક્કી કર્યું. મળનારા હતાં - રાહુલ અને સોનિયા, હેમલ, સંધ્યા અને હું. અપૂર્વ અને સ્વાતી કોઈ કારણોસર નો'તા આવી શક્ય. કિંજલ પણ.

અમે બપોર પછી મળવાનું રાખ્યું હતું, એટલે બપોરે જમીને પછી હું ભરૂચ થી વડોદરા ની બસ માં બેઠો. સપ્રથમ, અમે હેમલ ના નવા ઘરે ગયા જે પશાભાઇ પાર્ક માં આવેલું છે. ત્યાં થોડો નાસ્તો અને ઘણી બધી વાતો પછી અમે એના ઘરે થી થોડે જ દૂર આવેલા આઈનોક્સ થીએટર પર ગયા અને ત્યાં નવી આવેલી ફિલ્મ, રાનજ્હણા જોઈ.

ફિલ્મ તો કઈ ખાસ ગમી નહિ પણ એ.આર. રેહમાન નું સંગીત ગમ્યું.

ફિલ્મ જોયા પછી અમે આઈનોક્સ ની બાજુંમાં આવેલા લેન્ડમાર્ક બુકસ્ટોરમાં ગયા પણ ત્યાં વધારે પડતી ગરમી લાગતા (એ.સી. ના ચાલતું હોવાથી) અને ભૂખ્યા થયા હોવાથી અમે જમવા જવાનું નક્કી કર્યું. શાનીવ્વાર હોવાથી મોટાભાગના રેસ્ટોરાંવાળા ને ત્યાં લાંબી લાંબી લાઈનો હતી અને અમારે રાહ જોવી પડે તેમ હતી. આખરે સંકલ્પમાં જગ્યા મળી અને અમે સાઉથ ઇન્ડિયન જમ્યા.

ટૂંકમાં દિવસ ખુબ મજાનો રહ્યો અને અમે અમારા ઘણા મિત્રો વિષે વાતો કરી અને બધાને મિસ કર્યા.

રાહુલ નો ઘણો આભાર કે એની ગાડી હતી એટલે એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવામાં અમને સહાયતા રહી.

Saturday, June 15, 2013

જાહેરાતો નો મારો

ઘણીવાર ટી.વી. જોતા હોઈએ અને એટલી બધી જાહેરાતો આવે કે આપણે ભૂલી જઈએ કે આપણે કયો કાર્યક્રમ જોતા હતાં. કાર્યક્રમ ચાલું થાય ત્યારે યાદ આવે કે આપણે શું જોતા હતાં.

અપડેટ : થોડા સારા સમાચાર પણ છે. વાંચો મારા અંગ્રેજી બ્લોગ પર.

Wednesday, June 12, 2013

સફળતા અને જીવન પર ના 5 પાઠ - ચેતન ભગત

લેખક તરીકે મને ચેતન ભગત હંમેશા ગમ્યા છે. મેં એમના બધાં જ પુસ્તકો વાંચ્યા છે જેમાનું સહું થી  પ્રિય "ફાઈવ પોઈન્ટ સમવન" છે. નવલકથા સિવાય એ એમના ભાષણો માટે પણ પ્રખ્યાત છે. જેમ કે એમનું 'સ્પાર્ક' પર નું આ ભાષણ ખુબ જ  ખ્યાતી પામેલું છે.

આજે પણ એમને ટ્વીટર પર એક સરસ ટ્વીટ કરી જે મેં નીચે આપી છે.


ગુજરાતી ભાષાંતર :


  1.  ખુબ જ ઓછાં લોકો તમને સાચો પ્રેમ કરે  અને તમે એમને  આંગળી ને વેઢે ગણી શકો છો. એમને પકડી રાખો.
  2. તમે સફળ હશો તો અનેક લોકો તમને પ્રેમ કરશે. તમે સફળ નહિ હોવ ત્યારે તેઓ પ્રેમ કરવાનું બંધ કરશે. તેઓ સફળતા ને પ્રેમ કરે છે, તમને નહિ. તેવા લોકોને ગંભીરતાપૂર્વક ના લો.
  3. જ્યારે તમે સફળ નહિ હોવ, ત્યારે તમારા સપના પર વિશ્વાસ અમુક જ કરશે. એમાના તમે એક હશો, અને અમુક વાર તમે એકલા જ હશો.
  4. સપનાઓ, સંકલ્પ અને ફોકસ હોવા છતાં કેટલીક વખત તમને પ્રેરણા ઓછી પડશે. એ વખતે ફરી લડવા માટે ઉઠો. તે સરળ નથી અને એટલે જ બહુ ઓછાં ત્યાં સુધી પહોંચે છે.
  5. વર્ગ માં પ્રથમ આવનાર લોકો જીવનમાં હંમેશા શ્રેષ્ઠ નથી હોતા. પણ લોકો જે બીજા લોકોને એમના કાર્ય ને અને પોતાને સમજે છે એ લોકો  માં શ્રેષ્ઠ  છે 

Monday, May 27, 2013

પ્રેમ અને સ્ત્રીઓની અનિવાર્યતા વિષે ચંદ્રકાંત બક્ષીના બે અદ્ભુત વાક્યો.

"સહન કરતાં કરતાં ફાવવાની જે પ્રણાલિકા પડે છે એને બહુ રૂપેરી નામ આપ્યું છે - પ્રેમ"

"જ્યાં સુધી ઉત્પત્તિ અને વિકાસ માટે સ્ત્રીઓ અનિવાર્ય છે ત્યાં સુધી પ્રેમમાંથી છુટકારો નથી"

- ચંદ્રકાંત બક્ષી
('ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ' માંથી. વાર્તા : 'અમે'. પૃષ્ઠ : 206)

બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમની વચ્ચે એક આશ્રમની જરૂર હતી.

બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમની વચ્ચે એક આશ્રમની જરૂર હતી એમ મને હંમેશા લાગ્યા કર્યું છે. એમાં રખડવાનું આવી જાય; સ્ત્રીઓ તરફનું જામતું આકર્ષણ આવી જાય.

- ચંદ્રકાંત બક્ષી
('ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ' માંથી. વાર્તા - તમે આવશો ? પૃષ્ઠ - ૧૩૦)

રોજ નવા સ્વાદ વાળી ચા

આજકાલ મહેશને vacation પડ્યું છે એટલે એ ઘરે ગયો છે. ઘરમાં ફક્ત હું અને કિરણ હોઈએ છીએ.

સવારમાં રોજ ૬-૬:૩૦ની વચ્ચે દૂધવાળો દૂધ લઈને આવે છે અને અમારી ઊંઘ બગાડે છે.

કિરણ ને કૉલેજ મારા કરતા વહેલાં જવાનું હોય છે એટલે એ વહેલો ઉઠી જાય છે. દૂધવાળો એના માટે alarm નું કામ કરે છે. 

સવારે અમુક વાર હું ચા બનાવું, ખાસ કરીને જ્યારે કિરણ ને મોડું થઇ ગયું હોય ત્યારે અથવા તો એ ઘરે ગાય હોય અને હું એકલો હોવ ત્યારે.

મને રસોઈ કરવાનો કંટાળો આવે - ખાસ કઈ રાંધતા પણ નથી આવડતું. નાનપણથી maggi બનાવતો - પણ બીજું કઈ ખાસ નથી.

ઘરના કામો જેમ કે વાસણ ધોવા, કપડાં ધોવા, કચરા-પોતા કરવા આટલા કામો મને ફાવે. પણ રસોઈ કરતા, કપડાને ઈસ્ત્રી કરતા અને કપડાંને ગડી કરતાં નથી ફાવતું અને ગમતું પણ નથી.

ન ગમવાનું કારણ એ કે ઉપરના ત્રણ કામમાં થોડી ચીવટ અને ધીરજ રાખવી પડે એટલે એવા કામ ઓછાં ગમે. 

હવે વાત એમ છે કે ચા હું જ્યારે જાતે બનાવું છું ત્યારે હું કોઈ પણ માપ વગર, તપેલીમાં દૂધ જે કઈ વધ્યું હોય એ દૂધની ચા બનવું.

એટલે  અમુક વાર જો દૂધ ઓછું હોય તો ચા વધુ પડે અને દૂધ વધુ હોય તો ચા ઓછી પડે. એટલે જેટલી વાર ચા બનવું એટલી વાર એનો સ્વાદ અલગ જ હોય.

થઇ ને રોજ નવા સ્વાદ વાળી ચા ?

Monday, May 13, 2013

હૈયું, કટારી અને હાથ

સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

- અમૃત ઘાયલ 
અમૃત ઘાયલે લખેલી ઉપરની પંક્તિઓ કચ્છના પાણી ની વાત કરે છે. અહિયાં પાણી એટલે 'ખમીર' ની વાત છે. એવાં જ એક ખમીરવંત કચ્છી એટલે શ્રી જુવાનસિંહ જાડેજા. 

યુવાન વયે પી.એસ.આઈ તરીકે પોલીસખાતામાં જોડાઈને ડેપ્યુટી કમિશનર - ડી.એસ.પી તરીકે નિવૃત થનાર પહેલાં કચ્છી. અને એમની સાહસિક કારકિર્દી ગાથાનું વર્ણન એમણે 'હૈયું, કટારી અને હાથ'માં કર્યું છે.

સળંગ બે દિવસ વાંચીને પૂરું કરી નાખ્યું એટલું રસપ્રદ એમનું લખાણ છે. આ ગાથાનું સંકલન એમના પત્ની શ્રી અરુણા જાડેજાએ કર્યું છે - જેમની કૃતિઓ મેં 'જનકલ્યાણ' અને 'પથ અને પ્રકાશ'માં અગાઉ ઘણી વાર વાંચેલી .

પુસ્તક વાંચીને અને એમની નીડરતા, આત્મવિશ્વાસ અને મનોબળની વાતો સાંભળીને દરેક વાચક ને એમને સલામ કરવાની ઈચ્છા થઇ આવે.

આજે જ્યારે ઠેર ઠેર પોલીસખાતાને વગોવાય છે ત્યારે આ પુસ્તક વાંચીને દરેક ને ખબર પડશે કે પોલીસને વાગોવવી સહેલી છે પણ એ લોકો જે પ્રકારનું કામ કરે છે, જે પરિસ્થિતિઓ નો સામનો કરે છે, ખડે પગે ઉભા રહીને દિન-રાત આપણને શાંતિથી સુવા દે છે અને આ બધું કરવામાં એ એમના ખુદના પરિવારને સમય નથી આપી શકતા એ જાણીને આપણને પોલીસખાતાને સલામ કરવાની ઈચ્છા થઈ આવે.

પુસ્તકમાં જેમ એમના પત્નીએ લખ્યું છે એમ -
લોકો તો હાલતા જાય અને હડસેલો મારતા જાય. 'હલકું નામ હવાલદાર'નું એવી અફવા ફેલાવતા જાય. પણ એ હલકા નામને વેઠવી પડતી હાડમારીની કોઈને જાણ છે ખરી? એ હવલદારના ઘરવાળાનાં શા હાલહવાલ છે તેની કોઈને પડી છે ખરી? સાચી વાત, ખુદ આ લખનાર ઘરવાળીનેય ક્યાં કશી ખબર હતી ? નથી રે પીધાં જાણી જાણી, ઝેર તો પીધાં અણજાણી. હાથે કરીને તે કોઈ આવા ભમ્મરિયા કૂવામાં કૂદતું હશે ? આ તો માંહી પડ્યા તે મહાદુઃખ પામે તેમાંનું છે !
આ પોલીસાણીએ કોઈ સામાજિક કે કૌટુંબિક પોલિસી ઉતરાવેલી હોતી નથી. સહિયારા જીવનના લીધેલા શપથ એકલપંડે જ નિભાવવાના હોય છે. છતે ધણીએ ન-ધણિયાતા થઈને રહેવું શેં ? સહેવું તે શેં ? અને મહાલવું તે શેં ? બધા જ અવસર સાર વગરના. દીકરા-દીકરીની સગાઈ ટાણે કે મકાનના વાસ્તુટાણે પતિદેવની હાજરી માટે કેટકેટલીય બાધાઆખડી રાખવી પડે. એ પછી આ અભાગણીનાં ભાગ ખૂલે તો તેઓ પ્રગટ થાય. એટલો વળી પાડ માનવાનો કે પોતાના લગ્નનું મુરત સાચવી જાણે નહીં તો ખાંડુ મોકલતા એમને શી વાર….
..................
 સાજેમાંદે પતિદેવની ગેરહાજરી અચૂક સાલે. દીકરો ક્યારે ઊઘલ્યો અને દીકરીઓ એક પછી એક ક્યારે વળાવી, ક્યારે કોઈ દવાખાને દાખલ થયું, ક્યારે કોઈ ઘરે આવ્યું કે ક્યારે કોઈ સીધું જ સિધાવ્યું ! એ બધું જ એમની ફરજપરસ્તીમાં વહી ગયું. મંજૂર થયેલી રજા એન મોકા પર જ નામંજૂર થાય. કપરો સમય કઠણ કાળજે આ પોલીસાણીને એકલા જ કાઢવાનો આવે. અઠવાડિયાના પરચૂરણ વાર તો સમજ્યા મારા ભાઈ પણ રવિવાર જેવા રવિવારમાં ભલીવાર નહીં.
...................
પહેલાના વખતમાં બૉંબાર્ડિંગ થતું હોય, શહેર આખું ને આખું ખાલી થતું હોય, વેરાન વગડામાં આવેલી બંગલીમાં નાનાં બાળબચ્ચાં સાથે એકલું કેમ રહેવાય, તો પતિને આવા કપરા ટાણે એકલા મૂકીને કેમ જવાય ? જીવીશું-મરીશું સાથે જ. ખૂનખાર ધાડપાડુઓનાં કોતરોમાં આવેલ સાવ અંતરિયાળ એવા ગામ પર ત્રાટકવાની પૂરી તૈયારી કરીને સાહેબ નીકળી પડ્યા છે. એમની પૅન્ટ સાથે પટ્ટો પણ હતો અને પટ્ટા સાથે રિવૉલ્વરનું કેસ પણ લટકતું હતું પણ આ શું ? અંદરની રિવૉલ્વર તો ઘરે ટેબલ પર જ મોં વકાસતી રહી ગઈ છે ! જરા વિચારી જુઓ કે એ અર્ધાંગનાને માથે કેવા કેવા અમંગળ વિચારો ઘેરાયા હશે ? શહેરમાં હુલ્લડો ફાટી નીકળ્યાં હોય, સળગતા કાકડા ફેંકાતા હોય, પથ્થરમારો ચાલુ જ હોય, સામસામે ગોળીબાર થતા હોય અને ત્યારે ભરપચીસીમાં તરવરતો કોક કર્તવ્યપરાયણ પોલીસવાળો સામા ઘા ઝીલતો ફના થાય છે. ઘોડિયામાં રમતા બાળક સાથેની માંડ વીસીએ પહોંચેલી ગામડાગામની એ વિધવાની તે શી હાલત ?
હા,  એટલું ખરું કે પોલીસખાતા ની આજે જે છાપ ઉભી થઇ છે એમાં ભ્રષ્ટાચાર જવાબદાર છે. પણ એ ભ્રષ્ટાચાર સરકારી દરેક ખાતામાં ફેલાયેલો છે અને કદાચ પોલીસખાતા કરતા પણ વધારે. ફરક બસ એટલો જ છે કે પોલીસ ભ્રષ્ટાચાર કરે એ આપણને વધુ ખટકે છે કારણ કે એમાં 'આપણને ખાસ કઈ મળતું નથી'.

માનનીય શ્રી જુવાનસિંહ સાહેબ ની સચ્ચાઈને અને માણસાઈની કથા વાંચીને આપણને ફરી એકવાર પોલીશ્ખાતામાં વિશ્વાસ મુકવાની પ્રેરણા મળે છે. 

વીનેશ અંતાણી લખે છે એમ પોલીસખાતાની આડત્રીસ વર્ષોની લાંબી કારકિર્દી એક પણ ડાઘ વિના પૂરી કરવી એ નાનીસુની વાત નથી. પણ અંતરાત્માનો અવાજ સાંભળી અને સાચી-ખોટી વાત ને પારખી યોગ્ય નિર્ણય લેવો એ એક ખરા મર્દ ની નિશાની છે. 

હું ફરી એક વાર આ બ્લોગ ના માધ્યમથી માનનીય શ્રી જુવાનસિંહજી ને અને એમના પત્ની શ્રી અરુણા જાડેજા ને આ પુસ્તક પ્રગટ કરવા માટે આભાર માનું છું અને આવા ખમીરવંત અને નીડર તેમજ જાડેજા હોવાને નાતે મારા વડીલ એવા શ્રી જુવાનસિંહજી ને વંદન કરું છું.

અને છેલ્લે, આ પુસ્તકનું નામ જે મેઘાણી ની કૃતિ સોરઠ, તારા વહેતાં પાણીમાં થી લીધેલ છે એ પંક્તિઓ :

કંથા રણમાં પેઠકે , કેની જોવે વાટ;
સાથી તારાં ત્રણ છે. હૈયું કટારી હાથ.

આ બ્લોગ પોસ્ટ લખવા માટે લીધેલા રેફરન્સ ની લિંક્સ :

  1. www.divyabhaskar.co.in/article/MAG-one-police-officer-word-security-4189900-PHO.html
  2. http://www.readgujarati.com/2011/04/10/kutch-pani/
  3. http://www.readgujarati.com/2013/01/01/hamro-dard/
  4. http://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8B:%E0%AA%95

Friday, May 10, 2013

પ્રકાશ પાદુકોણે સાથેની મારી મુલાકાત

આ વિશ્વને એક નવા પ્રકાર ના લશ્કરની જરૂર છે - ભલા માણસોનું લશ્કર ~ કલેવલેન્ડ અમોરી.

ઘણા વર્ષો પહેલાં હું બેડમિન્ટન રમતો હતો. બેડમિન્ટન રમવા હું જી.એન.એફ.સી ટાઉનશીપ ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં જતો. દર વર્ષની માફક એ વર્ષે પણ ઓપન ગુજરાત બેડમિન્ટન ચેમ્પિયનશીપ ત્યાં યોજાય હતી. એ ટુર્નામેન્ટ દરમ્યાન આયોજકોએ ભારતના મહાન બેડમિન્ટન ખિલાડી શ્રી પ્રકાશ પાદુકોણે ને બોલાવ્યા હતા જેથી કરીને અમારા જેવા ઉભરતાં ખેલાડીઓ ને પ્રેરણા મળે. પ્રકાશ પાદુકોણે ભારત ના પ્રથમ ખિલાડી છે જે All England Championship જીતા હતા અને હાલની બોલીવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણે ના પિતા છે.

એ સાંજે અમે બધા ખિલાડીઓ એમને મળવા આતુર હતા અને એમના હસ્તાક્ષર લેવા એમને ઘેરાય ગયા હતા. એ વખતે હું પણ એમના હસ્તાક્ષર લેવા ગયો હતો પણ બીજા સિનીયર ખેલાડીઓએ મને ધક્કો મારીને પાછળ ધકેલી દીધો. આ એમણે જોયું અને એમણે બધા ને સાઈડ પર કરી ને મને હાથે થી ઈશારો કરીને બોલાવ્યો અને મારી પાસે જે કાગળ હતો એમાં સહી કરી આપી અને મારા બેડમિન્ટન ના રેકેટ ના કવર પર પણ જાડી સ્કેચપેનથી સહી કરી આપી.

એ દિવસ મારી સ્મૃતિઓમાં હમેશ ને માટે કંડારાયેલો રહેશે.

Tuesday, May 7, 2013

ચંદ્રકાંત બક્ષીની વાર્તાઓ અને બીજા ગુજરાતી લેખકો ની વાર્તાઓ નો તફાવત

હાલમાં હું ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓ વાંચી રહ્યો છું ('મશાલ' અને 'ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ'). બક્ષીબાબુ ની વાર્તાઓ વાંચી ને મને ઘણી નવાઈ લાગી. કારણ કે આજ સુધી મેં કોઈ ગુજરાતી લેખકે લખેલી એવી વાર્તાઓ નથી વાંચી જેવી બક્ષીબાબુએ લખી છે.

એમની વાર્તાઓમાં ઘણું જ વૈવિધ્ય છે. વૈવિધ્ય ફક્ત વાર્તા ના પ્લોટ નું નથી શબ્દો નું પણ છે. બક્ષીબાબુએ એમની ઘણી વાર્તાઓ માં સેક્સ, ગાળો અને અંગ્રેજી શબ્દો વાપરેલા છે - જે ભાગ્યે જ મેં વાંચેલા ગુજરાતી લેખકોએ લખ્યા હોય.

બક્ષીબાબુની વાર્તાઓ પર થી આપણે એટલું જરૂર કહી શકીએ કે આ માણસે દુનિયા જોઈ છે, પારખી છે અને માણી છે. એમનું વાંચન જબ્બર હોવું જોઈએ, જો જ એ આ પ્રકારની વાર્તાઓ લખી શકે.

એમની આત્મકથા 'બક્ષીનામા' વાંચીને સહું કોઈ કહી ઉઠે - આ એક ખરો મર્દ હતો. એક મર્દ ની માફક જેટલું એ એમના શરીર પ્રત્યે વફાદાર હતા એવી જ મર્દાના એમની કલમ હતી.

ગુજરાતીમાં બીજા જે લેખકોની ટૂંકી વાર્તાઓ વાંચી છે એ બધાં જ લેખકો બહું સારું સારું, સુવાળું સુવાળું લખતા/લખે છે. એમની વાર્તાઓ વાંચીને મજા જરૂર આવે પણ પછી એમની વાર્તાઓ ના પ્લોટ્સ બધાં સરખા જ લાગે - એક મીઠાઈ ખાય ને બીજી ખાવ તેમ. જ્યારે બક્ષીબાબુની કરેક વાર્તા વાસ્તવિકની સાથે સાથે તેજતર્રાર છે. એમાં સેક્સ, ગાળો, બેવફાઈ, નફરત, ખૂન, પ્રેમ, મૃત્યુ, દારુ - બધું જ આવે.

હાલમાં વંચાય રહેલ વાર્તાસંગ્રહ 'મશાલ' માં 'કુત્તી' વાર્તા પણ છે જે વાર્તા ને લીધે ગુજરાત સરકારે એમના પર અશ્લીલ લખાણ માટે કેસ કરેલો.

Monday, May 6, 2013

અમદાવાદ રાષ્ટ્રીય પુસ્તક મેળો

ગઈ કાલે હું પછી પેલા પુસ્તક મેળા માં જઈ આવ્યો. દિપભાઈ ના Knowledge Share પછી મેં જલ્પેશ ને ફોન કર્યો અને એને કીધું કે હું પુસ્તક મેળા માં જાવ છું જો એની આવવાની ઈચ્છા હોઈ તો સાથે જઈએ. જમવાનું બાકી હોવાથી અમે પહેલા થોડી પેટ પૂજા કરી. સાથે વિક્રાંત પણ હતો. અને પછી 3-3.5 કલ્લાક જેવું અમે પુસ્તક મેળા માં ફર્યા. ઘણા પુસ્તકો જોયા અને સહુથી નવાઈ ની વાત તો એ હતી કે ગુજરાતી લોકો પણ પુસ્તકો માં રસ બતાવી ને ખરીદતા હતા!!! મેં 3 પુસ્તકો કરીદ્યા :

  1. એબ્રાહમ લિંકન - મણીભાઈ ભ. દેસાઈ 
  2. હૈયું, કટારી અને હાથ (એક નિવૃત પોલીસ અધિકારીની કારકિર્દી-ગાથા -- જુવાનસિંહ જાડેજા). સંકલન : અરુણા જાડેજા
  3. An Autobiography or The Story of My Experiments with Truth - M. K. Gandhi

Sunday, May 5, 2013

આવતી કાલ નો કાર્યક્રમ

આવતી કાલે રવિવાર છે અને આ રવિવાર ને ઘણી સારી રીતે ઉપયોગ કરવાનો વિચાર છે. પહેલાં તો codelogic.co.in વાળા દીપભાઈ નો Knowledge Share માટે જવાનો છું જ્યાં Advanced DNS નો practical session છે. અને એ પછી જમી ને બપોરે અમદાવાદ માં ચાલી રહેલા પુસ્તક મેળા માં જવાનો વિચાર છે અને સ્વાભાવિક રીતે ઘણાં બધાં પુસ્તકો ખરીદવાનો લાભ મળશે.

બીજું હમણાં નવી એક website ની મને જાણ facebook પર થઇ - www.calllibrary.com . આ website અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા માં ઘરે બેઠા પુસ્તકો ઉપલબ્ધ કરાવે છે અને એમણે ઉપર જણાવેલા પુસ્તક મેળા માં stall પણ રાખેલો છે તો એની પણ અવશ્ય મુલાકાત લેવામાં આવશે.

Wednesday, May 1, 2013

ગુજરાત સ્થાપના દિન

આજે પહેલી મે, ગુજરાત સ્થાપના દિવસ. 1960માં બોમ્બે માંથી છુટ્ટા પડી ને બે રાજ્યો થયા ભારત માં - ગુજરાત અને મહારાષ્ટ્ર. આજે એ બન્ને નો જન્મદિવસ છે. સાંજે અહિયાં ગાંધીનગર માં વિધાનસભા પાસે કઈક ઉજવણી થવાની છે એટલે અમે ત્યાં જોવા જવાનું વિચારીએ છીએ.

જય જય ગરવી ગુજરાત. 

Tuesday, April 30, 2013

ઉત્તમ સંગીત, સાહિત્ય કે કળાકૃતિ ની રચના ક્યારે થાય ?

દુઃખની ચરમસીમા પર માણસ મરી જાય છે અથવા પાગલ થઇ જાય છે અથવા કલાનો ઉપાસક થઈ જાય છે. સંગીત ની ઉત્તમ તરજો, દરેક ભાષાની કવિતાઓ/ગઝલો અને વિશ્વ ની બનમૂન કળાકૃતિઓ ત્યારેજ સર્જાય છે જ્યારે કોઈ પીડા માણસ ના દિલ ને ઝંઝોળી નાખે છે, એના સપનાઓ ને ચૂર ચૂર કરી નાખે છે અને આંખો ના સુકાય ગયેલા આંસુ એ સંગીત, એ કવિતા કે કળાકૃતિ ને રૂપે બહાર રેલાય છે.

- યશપાલસિંહ જાડેજા 

Thursday, April 25, 2013

હનુમાન જયંતિ

આજે હનુમાન જયંતિ છે, હમુમાન દાદા નો જન્મદિવસ. મને નાનપણથી હનુમાનદાદા નું આકર્ષણ રહ્યું છે, ખાસ કરી ને એમની તાકાત, એમનો દેખાવ અને એમની નિર્ભયતા. નાનપણ માં જ્યારે રાતના ડર લાગતો ત્યારે મોટેરાઓ અમને એમનું નામ જપવાનું કહેતા. મને નાનપણ થી હનુમાન ચાલીસા પણ યાદ છે અને ગુલશન કુમારે ગયેલી હનુમાન ચાલીસા હું ઘણી વાર કેસેટ લગાવી ને સાંભળતો. સ્કૂલમાં હતો ત્યારે અમુક વર્ષો હું અને પપ્પા શનિવારે ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલા હનુમાનદાદા ના મંદિરે પણ જતા. કોઈ વાર ગુમાનદેવ પણ જતા. કોઈ કોઈ વાર શનિવારે ઉપવાસ પણ કરતો. આવી જ એક હનુમાન જયંતી ના દિવસે હું વરતેજ એકલો બસ માં બેસી ને ગયો હતો. (વર્ષ 2000).

ફરી થી એક વાર હનુંમાજી ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ. આશા રાખું છું કે તમે અમને આશીર્વાદ આપો, તમારા જેવી શક્તિ આપો અને બુદ્ધિ આપો.

Tuesday, April 23, 2013

યોગ્ય સમયે ચુપ રહેવાથી અને ઉચિત સમયે બોલવાથી ઘણી આફતો ટાળી શકાતી હોય છે.

- યશપાલસિંહ જાડેજા

Sunday, January 27, 2013

Watched Darbar hall museum

At Sakkarbaug Zoo

Excellent zoo at Sakkarbaug, Junagadh

Saturday, January 26, 2013

At Willingdon Dam

After returning from Somnath and taking a short nap, we came here at Willingdon Dam, Junagadh

Good Morning Junagadh

The mighty sun behind the mountains. On the way to Somnath with Tushar Trambadiya and Kiran Patel.

Friday, January 25, 2013

At Narsinh Mehta Lake

At Narsinh Mehta Lake, Junagadh with Tushar Trambadiya, Vimal Pambhar and Kiran Patel.

At Swaminarayan Mandir, Junagadh

Had lunch at Swaminarayan Mandir, Junagadh with Tushar Trambadiya and Kiran Patel.

At Tushar's Home

I and Kiran Patel are at Tushar's home, Zanzarda Road, Junagadh. Excellent view from his gallery.

Friday, January 18, 2013

ઠંડી

વળી પાછી ઠંડી વધી ગઈ છે. વચ્ચે 4-5 દિવસ શાંતિ હતી. ઠંડી ની સાથે સાથે પવન પર જોરદાર ફુકાઇ રહ્યો છે.

Saturday, January 12, 2013

તું મને જોત, તો જોતી થઈ જાત દુનિયા મને. - મરીઝ

પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને
હું તને જોત તો દુનિયાને પછી જોત નહિ,
તું મને જોત, તો જોતી થઈ જાત દુનિયા મને.

- મરીઝ

Friday, January 11, 2013

#nowlistening Yeh jo halka halka suroor, yeh teri nazar kusoor he ki shareable pina sikha diya... #NusratFatehAliKhan

Tuesday, January 8, 2013

પુનર્જન્મ એટલે શું ?

બે દિવસ થી હું ‘ધ ફકીર’ (લેખક : રુઝ્બેહ એન. ભરૂચા) વાંચી રહ્યો છું. આ પુસ્તક માં બાબા પુનર્જન્મ એટલે શું એ રુદ્ર ને સમજાવે છે.
 
બાબા કહે છે કે પુનર્જન્મ એ કુદરતે બનાવેલો એક એવો નિયમ છે જેના દ્વારા ભગવાન આપણા બાકી રહેલા કર્મો ને પુરા કરી આપણને વિકાસ ની સીડી પર ઉંચે ચડાવે છે. પુનર્જન્મ વગર આપણે આપણી તકદીર સુધી પહોચવાની અને આપણા અધૂરા રહેલા કર્મો પુરા કરવાની તક આપે છે.
 
સારી રીતે સમજાવવા બાબા રુદ્ર ને એક રમત નું ઉદાહરણ આપે છે, જેમ કે ફૂટબોલ અથવા બાસ્કેટબોલ. દરેક રમત ના અલગ નિયમો હોય છે જે આપણે (રમનારે) પાળવાના હોય છે. જો એ નિયમો ના પળાય તો આપણે સજાને પાત્ર બનીએ છીએ.

એજ રીતે જીવન પણ એક બહું મોટી રમત છે જેણે આપણે એના નિયમો થી રમવાની છે. જો નિયમો વિરુદ્ધ જઈએ તો સજાપાત્ર બનીએ. સજા એ રમાય રહેલી રમત પુરતી સીમિત પણ હોય અથવા તો એ આગળની રમતો માં પ્રસરી શકે છે (સજાની ગંભીરતા ને આધીન). 
એટલે જો આપણે જીવનના નિયમો ના પાળીએ તો આપણને સજા મળે છે દુઃખ ના સ્વરૂપે. અમુક દુઃખ આ જીવવામાં જ આવે છે જયારે અમુક આવતા ભવે.

રમત રમનાર ખેલાડી તરીકે આપણે ફરિયાદ કરીએ કે પાછલા ભવ ના દુષ્કર્મો મને યાદ નથી તો એની સજા શું કામ મળવી જોઈએ ? એના જવાબ માં બાબા કહે છે કે આપણે એ ભૂલી જઈએ છીએ પણ જીવન ની રમત બનાવનાર અને એના નિયમ બનાવનાર ને કાયમ આપણા કર્મો યાદ રહે છે અને આપણી ફરિયાદથી એ બદલાવાના નથી કારણ કે જો એ બદલાશે તો બીજા રમનારા ખેલાડીયો માટે એ અન્યાયી થશે.

Monday, January 7, 2013

બક્ષીબાબુ નું બીજું એક અદ્ભુત વાક્ય

કલાકાર પોતે જ પોતાની સર્જનપ્રક્રિયા સમજાવવા બેસે એ બીજાઓને ફાવતું હશે, મને બહુ ફાવતું નથી. પોતાના હાથે જ પોતાનું સ્તન દબાવ્યા કરતી સ્ત્રીને કયો આનંદ મળતો હશે? એ અનૈસર્ગિક છે, અવૈજ્ઞાનિક છે.
સ્ત્રોત : http://rajniagravat.wordpress.com/introduction_contact/

Wednesday, January 2, 2013

#nowlistening #JagjitSingh Yun to guzar raha he har ek pal khushi ke saath, fir bhi koi kami si he kyun zindagi k saath?

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...