સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
- અમૃત ઘાયલ
અમૃત ઘાયલે લખેલી ઉપરની પંક્તિઓ કચ્છના પાણી ની વાત કરે છે. અહિયાં પાણી એટલે 'ખમીર' ની વાત છે. એવાં જ એક ખમીરવંત કચ્છી એટલે શ્રી જુવાનસિંહ જાડેજા.
યુવાન વયે પી.એસ.આઈ તરીકે પોલીસખાતામાં જોડાઈને ડેપ્યુટી કમિશનર - ડી.એસ.પી તરીકે નિવૃત થનાર પહેલાં કચ્છી. અને એમની સાહસિક કારકિર્દી ગાથાનું વર્ણન એમણે 'હૈયું, કટારી અને હાથ'માં કર્યું છે.
સળંગ બે દિવસ વાંચીને પૂરું કરી નાખ્યું એટલું રસપ્રદ એમનું લખાણ છે. આ ગાથાનું સંકલન એમના પત્ની શ્રી અરુણા જાડેજાએ કર્યું છે - જેમની કૃતિઓ મેં 'જનકલ્યાણ' અને 'પથ અને પ્રકાશ'માં અગાઉ ઘણી વાર વાંચેલી .
પુસ્તક વાંચીને અને એમની નીડરતા, આત્મવિશ્વાસ અને મનોબળની વાતો સાંભળીને દરેક વાચક ને એમને સલામ કરવાની ઈચ્છા થઇ આવે.
આજે જ્યારે ઠેર ઠેર પોલીસખાતાને વગોવાય છે ત્યારે આ પુસ્તક વાંચીને દરેક ને ખબર પડશે કે પોલીસને વાગોવવી સહેલી છે પણ એ લોકો જે પ્રકારનું કામ કરે છે, જે પરિસ્થિતિઓ નો સામનો કરે છે, ખડે પગે ઉભા રહીને દિન-રાત આપણને શાંતિથી સુવા દે છે અને આ બધું કરવામાં એ એમના ખુદના પરિવારને સમય નથી આપી શકતા એ જાણીને આપણને પોલીસખાતાને સલામ કરવાની ઈચ્છા થઈ આવે.
પુસ્તકમાં જેમ એમના પત્નીએ લખ્યું છે એમ -
લોકો તો હાલતા જાય અને હડસેલો મારતા જાય. 'હલકું નામ હવાલદાર'નું એવી અફવા ફેલાવતા જાય. પણ એ હલકા નામને વેઠવી પડતી હાડમારીની કોઈને જાણ છે ખરી? એ હવલદારના ઘરવાળાનાં શા હાલહવાલ છે તેની કોઈને પડી છે ખરી? સાચી વાત, ખુદ આ લખનાર ઘરવાળીનેય ક્યાં કશી ખબર હતી ? નથી રે પીધાં જાણી જાણી, ઝેર તો પીધાં અણજાણી. હાથે કરીને તે કોઈ આવા ભમ્મરિયા કૂવામાં કૂદતું હશે ? આ તો માંહી પડ્યા તે મહાદુઃખ પામે તેમાંનું છે !
આ પોલીસાણીએ કોઈ સામાજિક કે કૌટુંબિક પોલિસી ઉતરાવેલી હોતી નથી. સહિયારા જીવનના લીધેલા શપથ એકલપંડે જ નિભાવવાના હોય છે. છતે ધણીએ ન-ધણિયાતા થઈને રહેવું શેં ? સહેવું તે શેં ? અને મહાલવું તે શેં ? બધા જ અવસર સાર વગરના. દીકરા-દીકરીની સગાઈ ટાણે કે મકાનના વાસ્તુટાણે પતિદેવની હાજરી માટે કેટકેટલીય બાધાઆખડી રાખવી પડે. એ પછી આ અભાગણીનાં ભાગ ખૂલે તો તેઓ પ્રગટ થાય. એટલો વળી પાડ માનવાનો કે પોતાના લગ્નનું મુરત સાચવી જાણે નહીં તો ખાંડુ મોકલતા એમને શી વાર….
..................
સાજેમાંદે પતિદેવની ગેરહાજરી અચૂક સાલે. દીકરો ક્યારે ઊઘલ્યો અને દીકરીઓ એક પછી એક ક્યારે વળાવી, ક્યારે કોઈ દવાખાને દાખલ થયું, ક્યારે કોઈ ઘરે આવ્યું કે ક્યારે કોઈ સીધું જ સિધાવ્યું ! એ બધું જ એમની ફરજપરસ્તીમાં વહી ગયું. મંજૂર થયેલી રજા એન મોકા પર જ નામંજૂર થાય. કપરો સમય કઠણ કાળજે આ પોલીસાણીને એકલા જ કાઢવાનો આવે. અઠવાડિયાના પરચૂરણ વાર તો સમજ્યા મારા ભાઈ પણ રવિવાર જેવા રવિવારમાં ભલીવાર નહીં.
...................
પહેલાના વખતમાં બૉંબાર્ડિંગ થતું હોય, શહેર આખું ને આખું ખાલી થતું હોય, વેરાન વગડામાં આવેલી બંગલીમાં નાનાં બાળબચ્ચાં સાથે એકલું કેમ રહેવાય, તો પતિને આવા કપરા ટાણે એકલા મૂકીને કેમ જવાય ? જીવીશું-મરીશું સાથે જ. ખૂનખાર ધાડપાડુઓનાં કોતરોમાં આવેલ સાવ અંતરિયાળ એવા ગામ પર ત્રાટકવાની પૂરી તૈયારી કરીને સાહેબ નીકળી પડ્યા છે. એમની પૅન્ટ સાથે પટ્ટો પણ હતો અને પટ્ટા સાથે રિવૉલ્વરનું કેસ પણ લટકતું હતું પણ આ શું ? અંદરની રિવૉલ્વર તો ઘરે ટેબલ પર જ મોં વકાસતી રહી ગઈ છે ! જરા વિચારી જુઓ કે એ અર્ધાંગનાને માથે કેવા કેવા અમંગળ વિચારો ઘેરાયા હશે ? શહેરમાં હુલ્લડો ફાટી નીકળ્યાં હોય, સળગતા કાકડા ફેંકાતા હોય, પથ્થરમારો ચાલુ જ હોય, સામસામે ગોળીબાર થતા હોય અને ત્યારે ભરપચીસીમાં તરવરતો કોક કર્તવ્યપરાયણ પોલીસવાળો સામા ઘા ઝીલતો ફના થાય છે. ઘોડિયામાં રમતા બાળક સાથેની માંડ વીસીએ પહોંચેલી ગામડાગામની એ વિધવાની તે શી હાલત ?
હા, એટલું ખરું કે પોલીસખાતા ની આજે જે છાપ ઉભી થઇ છે એમાં ભ્રષ્ટાચાર જવાબદાર છે. પણ એ ભ્રષ્ટાચાર સરકારી દરેક ખાતામાં ફેલાયેલો છે અને કદાચ પોલીસખાતા કરતા પણ વધારે. ફરક બસ એટલો જ છે કે પોલીસ ભ્રષ્ટાચાર કરે એ આપણને વધુ ખટકે છે કારણ કે એમાં 'આપણને ખાસ કઈ મળતું નથી'.
માનનીય શ્રી જુવાનસિંહ સાહેબ ની સચ્ચાઈને અને માણસાઈની કથા વાંચીને આપણને ફરી એકવાર પોલીશ્ખાતામાં વિશ્વાસ મુકવાની પ્રેરણા મળે છે.
વીનેશ અંતાણી લખે છે એમ પોલીસખાતાની આડત્રીસ વર્ષોની લાંબી કારકિર્દી એક પણ ડાઘ વિના પૂરી કરવી એ નાનીસુની વાત નથી. પણ અંતરાત્માનો અવાજ સાંભળી અને સાચી-ખોટી વાત ને પારખી યોગ્ય નિર્ણય લેવો એ એક ખરા મર્દ ની નિશાની છે.
હું ફરી એક વાર આ બ્લોગ ના માધ્યમથી માનનીય શ્રી જુવાનસિંહજી ને અને એમના પત્ની શ્રી અરુણા જાડેજા ને આ પુસ્તક પ્રગટ કરવા માટે આભાર માનું છું અને આવા ખમીરવંત અને નીડર તેમજ જાડેજા હોવાને નાતે મારા વડીલ એવા શ્રી જુવાનસિંહજી ને વંદન કરું છું.
અને છેલ્લે, આ પુસ્તકનું નામ જે મેઘાણી ની કૃતિ સોરઠ, તારા વહેતાં પાણીમાં થી લીધેલ છે એ પંક્તિઓ :
કંથા રણમાં પેઠકે , કેની જોવે વાટ;
સાથી તારાં ત્રણ છે. હૈયું કટારી હાથ.
આ બ્લોગ પોસ્ટ લખવા માટે લીધેલા રેફરન્સ ની લિંક્સ :
- www.divyabhaskar.co.in/article/MAG-one-police-officer-word-security-4189900-PHO.html
- http://www.readgujarati.com/2011/04/10/kutch-pani/
- http://www.readgujarati.com/2013/01/01/hamro-dard/
- http://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8B:%E0%AA%95